વિદ્યાભારતી…એક પરિચય

સ્થાપના

  • ઇ.સ. ૧૯૪૬ માં શ્રદ્વેય ગુરુજી (માધવરાવ ગોલવલકરજી) એ કુરુક્ષેત્ર (હરિયાણા) માં ગીતા વિદ્યાલયનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું.
  • ઇ.સ. ૧૯૫૨ માં ઉત્તર પ્રદેશના ગોરખપુરથી શ્રી સરસ્વતી શીશુમંદિર યોજનાના શ્રીગણેશ કરી ભારતીય જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો
  • દેશના વિવિધ પ્રાંતમાં કાર્યરત પ્રાંતીય સમિતિઓની સ્થાપના, સમન્વય અને સંકલન સાથે માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્યથી અખિલ ભારતીય સ્તર પર વિદ્યાભારતીની સ્થાપના કરવામાં આવી.
  • વ્યક્તિગત પરિવર્તનથી સમાજ પરિવર્તનની દિશામાં કાર્યરત વિદ્યાભારતીની વિધિવત સ્થાપના યુગાબ્દ ૫૦૭૯ – ઈ.સ. ૧૯૭૭માં થઇ છે.
  • ગુજરાત પ્રાંતમાં પ્રાંતીય સમિતિએ ઈ.સ. ૧૯૮૦માં ‘સંસ્કાર ગુર્જરી’ના નામથી શિક્ષણના રાષ્ટ્રયજ્ઞ નો શુભારંભ કર્યો જે ઈ.સ.૧૯૯૫ થી વિદ્યાભારતી – ગુજરાત પ્રદેશના નામથી શિક્ષણ જગતમાં કાર્યરત છે.

વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન વિશ્વનું મોટામાં મોટું બિનસરકારી શૈક્ષણિક સંગઠન છે. ૧૯૫૨ થી ચાલતા આ સંગઠન દ્વારા દેશના ખૂણે ખૂણે આશરે ૨૬૦૦૦ થી વધુ વિદ્યાલયો ચાલે છે. વિદ્યાભારતી સમગ્ર દેશના ૧૧ ક્ષેત્રમાં ૩૯ પ્રાંતીય સમિતિઓને શૈક્ષણિક માર્ગદર્શન કરે છે. સમગ્ર ભારતમાં કાશ્મીરથી કેરળ અને ગુજરાતથી આસામ સુધીના બધાં જ રાજ્યોમાં વિદ્યાભારતી કાર્યરત છે.

વિદ્યાભારતીનું લક્ષ્ય છે હિંદુજીવન દર્શનના આધાર પર શિક્ષણની રચના કરવી. શરીર, પ્રાણ, મન, બુદ્ઘિ અને આત્માના સમ્યક, સર્વાંગીણ વિકાસ દ્વારા શ્રેષ્ઠ મનુષ્યોનું નિર્માણ કરવું.રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાના ગૌરવને પુનઃપ્રસ્થાપિત કરવા કર્તવ્યનિષ્ઠ, રાષ્ટ્રીય ચારિત્ર્યયુકત સમાજનું નિર્માણ કરી, સામાજિક પરિવર્તન લાવવા વિદ્યાભારતી નગરીય, ગ્રામીણ, વનવાસી અને ઉપેક્ષિત વિસ્તારોમાં શિશુવાટિકાથી લઈને મહાવિદ્યાલય સુધીના એકમો ચલાવે છે. વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પણ કાર્યરત છે. વિદ્યાભારતી સમાજ આધારિત અનેક સેવાકીય પ્રકલ્પો ચલાવે છે.

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ ૧૯૭૯ થી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. જેની સાથે ૪૧૩ જેટલા એકમો સંલગ્ન છે. આ કાર્ય સંપૂર્ણતઃ સમાજ આધારિત ચાલે છે. ગુજરાતના દરેક જિલ્લામાં વિદ્યાભારતીનું કાર્ય છે. સાથે સાથે ગુજરાતમાં વિવિધ પ્રકલ્પો અને પ્રયોગો પણ ચાલે છે.

  • ગુજરાતના વનવાસી ક્ષેત્રમાં વાલિયા તાલુકાના કાકડકૂઈ મુકામે માધવ વિદ્યાપીઠના નામે આવાસીય વિદ્યાલય ચાલે છે. જેમાં હાલમાં ધો-૫ થી ૧૦ માં ૩૨૫ ભાઈઓ અને બહેનો નિઃશુલ્ક શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
  • કચ્છના અતિપછાત સરહદી વિસ્તારમાં હિંદુ પરિવારના બાળકો માટે શિશુરથ દ્વારા શિક્ષણમંદિર ચાલી રહ્યા છે.
  • જે તે નગરમાં ઉપેક્ષિત વિસ્તારના બાળકો માટે સંસ્કારકેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.
  • બાલિકા શિક્ષણ માટે ગોધરા મુકામે(મૈત્રેયી ગુરુકુલમ્‌)બાલિકા આવાસીય વિદ્યાલય ચાલે છે. જેમાં ૧૧૦ જેટલી બાલિકાઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે.
  • ભારતીય ચિંતન આધારિત સમગ્ર વિકાસ અભ્યાસક્રમનો પ્રયોગ ગુજરાત પ્રાંતના પસંદ કરેલા વિદ્યાલયોમાં ધો – ૧ થી ૮ માં ચાલી રહ્યો છે.
  • ગાંધીનગર મુકામે વિદ્યાભારતી અધ્યયન, પ્રશિક્ષણ અને સંશોધન કેન્દ્ર ચાલે છે.
  • શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે સમર્થ ભારત માર્ગદર્શન કેન્દ્ર અને શિશુઓ માટે સુવર્ણપ્રાશન યોજના
  • પ્રકાશન ક્ષેત્રે સંસ્કાર દીપિકા દ્વિમાસિક પત્રિકા ૨૩ વર્ષથી પ્રકાશિત થાય છે.
  • પૂર્વોત્તર ભારતમાં નાગાભૂમિ ખાતે બે આવાસીય વિદ્યાલય તથા અન્ય એક વિદ્યાલયનું નિર્માણકાર્ય ચાલે છે. જેની આર્થિક અને શૈક્ષણિક સંપૂર્ણ જવાબદારી ગુજરાત વિદ્યાભારતીએ સ્વીકારી છે.
  • કુષ્ઠ રોગીઓ માટે મધ્યપ્રદેશના ચાંપા મુકામે ચાલતા કુષ્ઠ નિવારક કેન્દ્રમાં રોકડ સહાય એકત્રિત કરી દર વર્ષે મોકલવામાં આવે છે.
  • ઉપરાંત ચિંતનગોષ્ઠિ, સંમેલન, પરિસંવાદ, પરિવાર પ્રબોધન, બાલસંગમ, પ્રશ્નમંચ, વિજ્ઞાનમેળા જેવા અનેક કાર્યક્રમો સમયાંતરે આયોજિત કરવામાં આવે છે. કેટલીક વખતે ભૂકંપ, સુનામી, વાવાઝોડું, પૂર વગેરે જેવી કુદરતી આપત્તિઓમાં જાનમાલને વધુ નુકશાન થાય ત્યારે ઉપયોગી ચીજ – વસ્તુઓની કીટનું વિતરણ તથા રોકડ સહાય કરવામાં આવે છે.