
આચાર્ય પ્રશિક્ષણ વર્ગ
વિદ્યાભારતીના સમગ્ર માળખામાં પાયાનું અંગ છે આચાર્યો અને પ્રધાનાચાર્યો. એમના થકી વિદ્યાભારતીના વિચારોનું ક્રિયાન્વયન અને વિસ્તરણ થાય છે. વર્તમાન પાશ્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ સારી વ્યક્તિઓ નિર્માણ કરવા સમક્ષ નથી ત્યાં શ્રેષ્ઠ શિક્ષકો/ આચાર્યોનું ઘડતર શક્ય નથી. આથી વિદ્યાભારતીએ આચાર્યોના ઘડતર અને પ્રશિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે. વિદ્યાભારતીના વિદ્યાલયમાં જોડાયેલા દરેક આચાર્યએ આચાર્ય પ્રશિક્ષણ વર્ગ કરવો અનિવાર્ય છે. આ વર્ગ દરમિયાન જીવનધ્યેયથી લઇ રાષ્ટ્રીય ભાવના, વર્ગખંડના શિક્ષણકાર્યથી શિક્ષણ, ચિંતન અને બાળમનોવિજ્ઞાનથી સર્વાંગીણ વિકાસ જેવા વિષયો પ્રાયોગિક તથા સૈદ્ધાંતિક રીતે દૃઢ કરાવવામાં આવે છે. આ વર્ગમાં સવારના ૫ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી યોગ, સંગીત, શિક્ષણ, શારીરિક, કલા, સાહિત્ય, સંસ્કૃતિ, ચારિત્ર્યનિર્માણ, બૌદ્ધિક વર્ગ, શિસ્ત જેવા કાર્યક્રમો સમાવી લેવામાં આવ્યા છે. આચાર્યો ના વિભાગ પ્રમાણે એટલે કે શિશુવાટિકા, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચ શિક્ષણ એમ અલગ અલગ સ્થાનો પર વર્ગોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ગો ઉપરાંત દર વર્ષે વિભાગ કે સંકુલ સ્તરે વિષય પ્રમાણે બે ત્રણ દિવસના વર્ગો પણ આયોજિત થાય છે. આચાર્ય પ્રશિક્ષણ માટે વિદ્યાભારતીએ યોજનાબદ્ધ વ્યવસ્થા ગોઠવી છે.